અમદાવાદઃ ટૂંક સમયમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન તથા ઘરઘાટીઓની વિગતો જમા કરાવવા માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી છૂટકારો મળશે. ઈ-ગુજકો પ્રોજેક્ટ અંતર્ગત સિટીઝન પોર્ટલ પાસપોર્ટ માટેનું વેરિફિકેશન અને ઘરઘાટીની નોંધણી હવે ઓનલાઇન કરાવી શકશે.રાજ્યના ગૃહવિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ વિવિધ કામગીરી હાથ ધરાઇ છે. આ પ્રોજેકટ હેઠળ પોલીસની કામગીરીના મૂલ્યાંકનની કામગીરી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને સોંપવામાં આવી છે. જે અંતર્ગત હવે નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા નહીં પડે. પોલીસ સ્ટેસન પર પાસપોર્ટ વેરિફિકેશન જતા સમયે કેટલીક વખત કલાકોના કલાકો સુધી લાઇનમાં પણ બેસી રહેવું પડે છે. જેના કારણે ઘણી વખત પોલીસ અને નાગરિક વચ્ચે ઘર્ષણ પણ ઊભું થતું હોય છે.શહેરમાં ઘરઘાટીઓ દ્વારા થતા હત્યા, લૂંટ જેવા અનેક મામલે નિયંત્રણ લાવવા માટે શહેર પોલીસ કમિશનરે ઘરઘાટીઓની તમામ વિગતોની નોંધણી જે તે પોલીસ સ્ટેશનમાં કરાવવા માટેનું જાહરનામું બહાર પાડ્યું છે. આ માટે ફોર્મ ભરીને તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે.ગૃહ વિભાગે ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અતર્ગત સિટીઝન પોર્ટલ શરુ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન સિટીઝન પોર્ટલ અંતર્ગત મોબાઇલ એપ પણ શરૂ કરાશે. પાસપોર્ટ વેરિફિકેશન માટે લોગ ઇન આઇડી મેળવ્યા બાદ વોટર આઇ ડી કાર્ડ, ઇલેકશન કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ કે પાસપોર્ટની વિગતો અપલોડ કરવાની રહેશે. આ વિગતોના આધારે જે તે પોલીસ સ્ટેશન દ્વારા વેરિફિકેશન કરી દેવાશે. ઘરઘાટીની ઓનલાઇન નોંધણી માટે અરજદારે પોતાના તથા ઘરઘાટીના ઓળખ અને રહેઠાણના માન્ય પુરાવા અપલોડ કરવા પડશે.
પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ તૈયાર થઇ ગયું હોય ત્યારે તેની જાણકારી સિનિયર સિટીઝન પોર્ટલ અથવા તો એસએમએસથી મળી જશે. આ અંગે ઇ-ગુજકોપના પ્રોજેકટ સંભાળતા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના એસપી અશોકકુમારે જણાવ્યું છે કે સિટીઝન પોર્ટલ અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન અને ઘરઘાટીના ફોર્મની નોંધણી ઓનલાઇન કરી શકાશે જેના માટે કોઇ પણ નાગરિકને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. પોલીસ વેરિફિકેશન માટે અરજદારના ઘરે જશે.