RBI લાગૂ કરશે 'એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી', બેન્ક બદલી શકશો – ખાતા નંબર એ જ રહેશે
SANDESH NEWS May 31, 2017
જે રીતે તમે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનો લાભ લો છો, કંઇક એવી જ રીતે બેન્ક એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીનો લાભ પણ લઇ શકાશે. એટલે કે બેન્ક બદલશો તો પણ તમારો બેન્ક એકાઉન્ટ નંબર એ જ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર એસએસ મુંદડાએ ખાતા નંબર પોર્ટેબિલિટીની જરૂરિયાત પર જોર આપ્યું છે અને ટૂંક સમયમાં જ ગ્રાહકોને આ સુવિધા પૂરી પડાશે.
તેમણે કહ્યું કે એક વખત એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી શરૂ થઇ જશે ત્યારબાદ કંઇ બોલ્યા વગર જ ગ્રાહક બીજી બેન્કની પાસે જતો રહેશે. મુંદડાએ કહ્યું કે મોટી સંખ્યામાં બેન્ક બીસીએસબીઆઈ દ્વારા ડિઝાઇન આચાર સંહિતાનું પાલન કરતા નથી. બીસીએસબીઆઈ એક સ્વતંત્ર એકમ છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્કસ એસોસીએશન અને અનુસૂચિત કોમર્શિયલ બેન્કો દ્વારા સ્થાપિત કરાઇ છે.
તેમણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સાથે જોડાયેલ ખતરા અંગે પણ વાત કરી. બેન્કિંગ કોડ્સ અને સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા એ મુંબઇમાં એક કાર્યક્રમમાં કહ્યું કે મેં થોડાંક વર્ષો પહેલાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીની વકાલત કરી હતી. ત્યારે તે ભલે અબસ્ટ્રેક્ટ લાગ્યું હોય પરંતુ યુપીઆઈ વગેરે નવા પ્રકારની ટેકનોલોજી સિસ્ટમ આવ્યા બાદ અને આધાર નંબરને ખાતા સાથે જોડાયા બાદ તેને લાગૂ કરવાની સંભાવનાને બળ મળી રહ્યું છે.
મુંદડાએ કહ્યું કે રિઝર્વ બેન્કની ચિંતા તમામ લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવા સુધી સીમિત છે. કેન્દ્રીય બેન્ક એ નથી જોઇ રહ્યું કે ગ્રાહકોને આ સુવિધાઓ આપવા માટે બેન્ક કેટલી ફી વસૂલી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં આધાર રજીસ્ટર્ડ થયો છે, એનપીસીઆઈ એ પ્લેટફોર્મ બનાવ્યું છે. આઇએમપીએસ જેવી બેન્કિંગ લેવડ દેવડ માટે કેટલીય એપ શરૂ કરાઈ છે. એવામાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીની પણ સંભાવના શકય બની શકે છે.
મુંદડાએ એમ પણ કહ્યું કે આરબીઆઈ છેતરપિંડી દ્વારા ગેરકાયદે થતી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ લેવડદેવડમાં ગ્રાહકોના હિતોની રક્ષા માટે ટૂંક સમયમાં જ આખરી દિશા-નિર્દેશ રજૂ કરશે. આ નિયમોમાં અનાધિકૃત ઇલેક્ટ્રોનિક બેન્કિંગ લેવડદેવડના મામલામાં ગ્રાહકોની દેણદારીને સીમિત રાખવાની જોગવાઇ કરી શકે છે.