નોટબંધી બાદ આમ જનતાની પરેશાનીઓ દૂર થઈ જશે, અને બધું જ સારુ થઈ જશે તેવી બાહેંધરી સરકારે આપી હતી. જોકે નોટબંધી બાદ ATM અને ડેબિટ કાર્ડથી મફત ટ્રાન્ઝેક્સનના દિવસો જતા, આમ આદમી માટે બુરે દિન શરૂ થઈ ગયા છે. નોટબંધી બાદ રિઝર્વ બેંકે કરેલી અપીલને પગલે જાહેર અને ખાનગી બેંકોએ એટીએમ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરના સર્વિસ ચાર્જ 31 ડિસેમ્બર સુધી માફ કર્યા હતા. જે પહેલી તારીખથી ફરીથી અમલી બની ગયા છે.
ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ એન્ડ એટીએમ સર્વિસના પ્રેસિડેન્ટ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું છે કે પહેલા 5 ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. ત્યાર બાદ આ નિર્ણય બેંકોના વિવેકાધિકાર અને કસ્ટમરની કાર્ડ કેટેગરી પર નિર્ભર રહેશે. સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન ચાર્જ મુદ્દે બેંકો અને ગ્રાહકો વચ્ચે કરાર હોય છે. સામાન્ય દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને ICICI બેંક 5 ટ્રાન્ઝેક્શન બાદ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા વસૂલે છે. આ ત્રણ બેંકો દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંતની અન્ય બેંકો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા વસૂલતી હતી.
મહત્વનું છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા છતાં દેશભરમાં 20 ટકા એટીએમ જ કાર્યરત છે, ત્યારે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને સબ્સિડી પર ગંભીરતાથી વિચારી રહી છે. સરકારનો મત છે કે ટ્રાન્ઝેક્શનના ચાર્જ માત્ર ગ્રાહક જ કેમ ભોગવે. જોકે સરકાર જ્યાં સુધી કોઈ નવો નિર્ણય ન જાહેર કરે ત્યાં સુધી કાર્ડ સ્વાઇપ કરવાનો ખર્ચ તો ગ્રાહકના ખિસ્સા પર જ પડવાનો છે.